કવિ પ્રિયકાંત મણીઆર ની (જ કદાચ ) પંક્તિઓ યાદ આવે. એકલતામાં એક લતાની ડાળ એવી ખીલી …. એકાંત ની એક મધુર કલ્પના અહીં કવિ કરે છે. આપણી ભાષામાં એકલા , એકલતા અને એકાંત એમ શબ્દો છે , જયારે અંગ્રેજીમાં પણ અલોન , લોનલી અને સોલીટયુડ જેવા શબ્દો છે જેની દરેકની અર્થચ્છાયા વિવિધ છે. આમાં સહુથી યોગ્ય શબ્દ એકાંત છે જે મનુષ્યને સ્વ સુધી પહોંચવા માટેનો પથ દર્શાવે છે. અભિયાનમાં ભૂપત વડોદરિયા ‘એકાંતની મોજ’માં લખે છે, ” આ જમાનો સોબતનો છે. … પણ માણસને એકાંતની પણ જરૂર હોય છે. …… આખો દિવસ માણસ પોતાની જાત સાથે મળી શકતો નથી. … ઘડીભર એકલા બેઠા તો કુટુંબીજનોને તરેહ તરેહના પ્રશ્નો નડે છે. દિનપ્રતિદિન જીવન ભીડ અને વધુ ભીડ જેવું બની રહ્યું છે. ….એકાંતનું પોતાનું સંગીત છે. પણ સામુહિક જીવનની ભીડમાં એકાંત અદૃશ્ય થઇ જાય છે. .. એકલા પાડીને હૈયાનો ધબકાર સાંભળવો છે, અંદરનું સંગીત સાંભળવું છે, પણ આ જમાનો કોરસનો છે. ઘણાને એકાંત પરેશાન કરી મૂકે છે. કેરેનકે એમની જાત જ એમેને અણગમતા પ્રશ્નો પૂછી બેસે છે. કેટલાકને આ કારણે એકાંત ચટપટી જગાડે છે. હા, નર્યું એકાકીપણું કોઈથી ન વેઠી શકાય. કેમકે જીવનનાં બધાં આનંદો -અનુભૂતિઓ સહજીવનમાં જ શક્ય છે. પણ સંસારના ખારા સમુદ્રમાં આખો દહાડો ઝઝૂમ્યા-તર્યા પછી, કાંઠે આવીને એકાંતના શુદ્ધ જળનું સ્નાન કરવું જ પડે છે. એકાંતની શીતળ ગુફામાં જીવનને વધુ સારી રીતે સમજી શકાય છે, સહી શકાય છે. ”
તો, સ્વામી અધ્યાત્માનન્દજી વૃક્ષો, પહાડો અને નદીને એકાંત સેવવાનાં ઉત્તમ માધ્યમો મને છે અને આજે એમના પ્રત્યે સેવાઈ રહેલાં દુર્લક્ષ્યથી ચિંતા પણ વ્યક્ત કરે છે. તેઓ ઉમેરે છે,” ખરા અર્થમાં એકમાં અંતના પ્રારંભે, આત્મસંસ્થં મન: કૃત્વા ન કિંચિતડપિ ચિન્તયેત…થી જ પ્રારંભ કરવો જોઈએ. જ્યાં સુધી માંન્સ્વન્તાત્ર છે ત્યાં સુધી સંકલ્પો વિકલ્પો ચાલવાના જ. ઈચ્છાઓ રક્તબીજ જેવી છે. જેટલી પૂરી કરશો તેટલી પ્રગટશે. મન સ્વતંત્ર નથી. ઇન્દ્રિયો મનને દોરે છે. આંખે જોયું એટલે મનને ભાવ્યું. જીભે ચાખ્યું એટલે મનને ગમ્યું. અને ઇન્દ્રિયો શ્વાચ્છોશ્વાસ દ્વારા પ્રાણશક્તિ દ્વારા નિયંત્રિત છે. આ શ્વાચ્છોશ્વાસને નિયંત્રિત કરવા સ્થિર બેસતા શીખવું પડશે. એકાંત અસંભવ નથી. આપણ પહેલાં સૃષ્ટિ હતી, સૃષ્ટિ વિના આપને જીવી હ્સ્કીએ નહિ અને આપણા પછી પણ સૃષ્ટિ રહેશે. આમ આ સમગ્ર વિશ્વ સાથેનું ઐક્ય જ અનેકાન્તમાંથી એકાંત આપી શકે. જર્મન તત્વ ચિંતક સેમ્યુઅલ કહે છે, ‘ you cannot pluk the flower in your garden without disturbing the star in the heaven”. એકાંત માટે હિમાલયની કંદરાઓમાં જવાની જરૂર નથી. વનમાં જઈને બેસવાથી પણ એકાંત મળતું નથી. એકાંત આપણી ભીતર છે.